રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગ દ્વારા સ્વચ્છતા અંતર્ગત વિવિધ પ્રકારની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં દુકાનો આગળ વધુ ગંદકી થતી હોવાનું ધ્યાનમાં આવે ત્યાં સ્પેશ્યિલ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ગંદકી માટે દુકાનદારોને પ્રથમ નોટીસ આપ્યા બાદ ગંદકી જોવા મળે તો એકમ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે વધુ 3 ભંગારના ડેલા સીલ કરી દેવાયા હતા. વારંવાર નોટિસ આપવા છતાં આ ભંગારનાં ડેલા પાસે ગંદકી જોવા મળતા મનપા દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર શહેરનાં ચુનારાવાડ ચોક પાસેનાં (1) એ.આર.વુડન, (2) ઇન્ડિયા સ્ક્રેપ અને (3) ઈમરાન ભાઈ મોટવાણીના ધંધાના સ્થળે જાહેરમાં સ્વચ્છતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. ઉપરાંત આ યુનિટના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવારનવાર સુચના આપવામાં આવી હતી. આમ છતાં જાહેર સ્વચ્છતા નહીં જાળવતા યુનિટની આસપાસ ખુબ જ ગંદકી અને કચરો જોવા મળ્યો હતો. જેથી આ ત્રણે એકમના સંચાલકોને નોટિસ આપીને સીલ કરી દેવામાં આવ્યા છે.