ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવાનાર છે. જેને લઈને હોલ ટિકિટ આજે 17 ફેબ્રુઆરીથી ડાઉનલોડ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. રાજકોટમાં 80,507 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે તે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
80,507 વિદ્યાર્થીઓ 65 કેન્દ્રોમાં પરીક્ષા આપશે રાજકોટમાં બોર્ડના 80,507 વિદ્યાર્થીઓ 65 કેન્દ્રોના 323 બિલ્ડીંગના 2816 બ્લોક પરથી પરીક્ષા આપવાના છે. જેમાં ધો.10 માં 46,657, ધો.12 સામાન્ય પ્રવાહમાં 25,657 અને વિજ્ઞાન પ્રવાહમાં 7,934 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ત્યારે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તમામ પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડિંગોના વિસ્તારમાં તા.26 ફેબ્રુઆરીથી તા.18 માર્ચ સુધી (રવિવારની જાહેર રજા સિવાય) સવારના 8 થી સાંજે 7.30 વાગ્યા સુધી કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
રાજકોટ શહેર વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થશે નહીં. તેમજ 100 મીટરમાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં. શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત ચાર કે તેથી વધારે વ્યકિતઓ ભેગા થશે નહીં.