સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળા અને 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં 2 સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળી છે જે બંને શાળા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં શરૂ કરવામાં આવશે. બંને પૈકી એક રાણીંગપર ગામ અને બીજી ગોખલાણામાં શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ શાળાઓ માટે 245 શિક્ષણ સહાયક, 160 વહીવટી સહાયક અને 160 સાથી સહાયકનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અમરેલી, અરવલ્લી, કચ્છ, ખેડા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, મહીસાગર, મોરબી, રાજકોટ, વડોદરા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા અને સુરત જિલ્લામાં શાળાઓ શરૂ થશે. જ્યારે આદિજાતિ વિસ્તારમાં છોટા ઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, મહીસાગર, સાબરકાંઠા ખાતે થશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિકની બે શાળાઓ પૈકી એક સ્કૂલ કચ્છના માંડવી શહેરમાં અને બીજી સ્કૂલ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીંટવાસ ગામે શરૂ થશે.