રાજકોટમાં બે વર્ષમાં 2,64,544 દર્દીએ PMJAY હેઠળ 800 કરોડની સારવાર લીધી

ભારત સરકારની આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા વાત્સલ્ય યોજના હેઠળ ગરીબ-મધ્યમવર્ગના નાગરિકોને રૂપિયા 5 લાખથી લઈ દસ લાખ સુધીની મર્યાદામાં વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓ અને સર્જરી પ્રોસિજરોની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે ત્યારે છે બે વર્ષમાં રાજકોટ શહેર-જિલ્લામાં 2,64,544 લાભાર્થીએ આ યોજનાનો લાભ લઈ રૂ.800 કરોડની સારવાર મેળવી હોવાના આંકડા સામે આવ્યા છે.

વિધાનસભાના બજેટ સત્રમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારની વિવિધ જનઆરોગ્ય સેવા હેઠળ આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા વાત્સલ્ય યોજના હેઠળ રૂપિયા 5 લાખથી લઈ 10 લાખ સુધીની સારવાર આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 2,64,544 લાભાર્થીએ આ યોજનાનો લાભ લીધો હતો. જે અન્વયે 107 હોસ્પિટલને રૂ.754.75 કરોડ ચૂકવવામાં આવ્યા છે અને હજુ પણ 68 હોસ્પિટલને 46.28 કરોડના ચૂકવણા કરવાના બાકી છે. મહત્ત્વનું છે કે,રાજકોટ જિલ્લામાં ફેબ્રુઆરી મહિના સુધીમાં સરકારની ત્રણેય યોજનામાં મળી કુલ 13,29,947 લાભાર્થી નોંધાયેલ છે.

આ યોજના હેઠળ મળે છે 2681 પ્રકારની મફત સારવાર સરકારની આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા વાત્સલ્ય યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને કેન્સર, હૃદયરોગ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, મોતિયો, પ્રસૂતિ, કિડની, ડાયાલિસીસ, ન્યુરોસર્જરી, સ્પાઇન સર્જરી સહિતની વિવિધ પ્રકારની 2681 જેટલી સારવાર નિઃશુલ્ક મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *