8 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર અને 4 મહિના પહેલા પત્ની સાથે છૂટાછેડા લેનાર બે યુવાનોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં રવિ કિશોરભાઈ પરમાર (ઉં.વ.35)એ ગઈકાલે બપોરે દોઢ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં યુવકના ચાર મહિના પહેલા પત્ની સાથે છૂટાછેડા થયા હોવાથી ચિંતામાં ગળાફાંસો ખાઈ કર્યો હોવાનું સામે આવ્યું છે. જયારે બીજા બનાવમાં વાવડી નજીક રાધેશ્યામ ગૌશાળા પાસે બાલાજી મોટર્સ નામે ગેરેજ ધરાવતો મિત વિજયભાઈ દેત્રોજા (ઉ.વ.27) ગઈકાલે પોતાના ગેરેજે હતો ત્યારે ગેરેજની ઓફિસમાં લોખંડના એંગલ સાથે કારની સીટ બેલ્ટ બાંધી ગળાફાંસો ખાઈ લેતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યુવકે આઠ મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા ન મળતા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ધંધામાં આર્થિક ખેંચતાણ અને મિત્રોની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારે ઝેર પીધું કોઠારીયા કોલોનીમાં રહેતાં અને વિરાણી અઘાટમાં ન્યુ નહેરૂનગર ઈન્ડસ્ટ્રીઝ એરિયા રોડ પર વિશ્વકર્માં એન્જીનીયરીંગ કામનું લેથ મશીનનું કારખાનું ધરાવતાં કૃપાલ પ્રકાશભાઈ અખીયાણીયા (ઉ.વ.32)એ આજે સવારે પોતાના કારખાનામાં માકડ મારવાની ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં કૃપાલ એક ભાઈ એક બહેનમાં મોટો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેણે મિત્ર સર્કલ પાસેથી 8 લાખ ઉછીના લીધા હતાં. જેથી, મિત્ર સર્કલ ઉછીના લીધેલા નાણાની ઉઘરાણી કરતાં હોય જેના ટેન્શનમાં તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.