રાજકોટ નજીક માલિયાસણ ગામે હૈયું કંપાવતો કરૂણ બનાવ સામે આવ્યો છે. પોતાની નજર સામે જ બે-બે બાળકો જન્મતાની સાથે જ મોતને ભેંટતા શોકમાં ગરકાવ થયેલ જનેતાએ પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પશુપાલક પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, 25 વર્ષીય પરિણીતાના 4 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા, જેણે આત્મઘાતી પગલું ભરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પંખાના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો રાજકોટ અમદાવાદ હાઇ-વે પર આવેલા માલિયાસણ ગામે રહેતી કાજલબેન મોનાભાઈ ટોયટા (ઉ.વ.25)એ ગઈકાલે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને કુવાડવા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતકનું માવતર મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં આવેલું છે. તેણીના 4 વર્ષ પહેલાં માલિયાસણ રહેતાં મોનાભાઈ સાથે લગ્ન થયાં હતા. લગ્ન બાદ તેણી સાસુ-સસરા, દિયર અને દેરાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના એક વર્ષ બાદ તેણીને સારા દિવસો રહ્યાં હતાં અને ગર્ભવતી થયાના આઠમા માસે તેણીએ બાળકને જન્મ આપ્યો હતો અને પરિવારમાં ખુશી ફરી વળી હતી. આઠમા માસે જન્મેલ બાળકને પેટીમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો અને દોઢ માસની સારવારના અંતે તેનું મોત નીપજતાં જનેતા અને પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.