રાજકોટ શહેરમાં છેલ્લ 24 કલાકમાં વધુ 3 આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતા એક શ્રમિક અને એક કેટરર્સના ધંધાર્થીનો સમાવેશ થાય છે. પ્રથમ બનાવમાં શંતકબીર રોડ પર અઢી મહિના પહેલા જ લગ્ન થયેલ પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે માંડાડુંગર વિસ્તરામાં આવેલ કારખાનામાં રહી મજૂરી કામ કરતા શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટરર્સના ધંધાર્થીએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત આજે સવારે 11.30 વાગ્યા આસપાસ શહેરના સંત કબીર રોડ અને પેડક રોડ વચ્ચે મારુતિ મધરલેન્ડ સ્કૂલની પાછળ આવેલ કૈલાસ ધામ મેઈન રોડ પર રહેતી કૃપાલી રોહન ઢોલરીયા (ઉં.વ.27) નામની નવોઢાએ પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતા 108માં જાણ કરતા 108ના ઇએમટીએ તપાસી તેને મૃત જાહેર કરી બનાવ અંગે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ આવી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા પરિવારની પૂછપરછ કરતા મૃતકના હજુ અઢી મહિના પહેલા જ લગ્ન થયા હતા અને પતિ કરિયાણાની દુકાન ચલાવતા હતા. જો કે આપઘાત ક્યાં કારણે કર્યો તે જાણવા ન મળતા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
કારખાનામાં મજૂરનો આપઘાત રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.4માં આવેલા કારખાનામાં રહેતો વિકાસ શેષરાજ કેવત (ઉં.વ.29) ગઈકાલે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે ગળાફાંસો ખાઈ લેતા બેભાન થઈ જતા 108ના ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં વિકાસ મૂળ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું અને અહીં તેમના સબંધી સાથે કારખાનામાં મજૂરી કરતો તેમજ ત્યાં કારખાનામાં જ રહેતો હતો. જો કે વિકાસએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા ન મળતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આર્થિક ભીંસથી કંટાળી કેટરર્સ ધંધાર્થીનો આપઘાત બીપીનભાઈ લક્ષ્મણભાઈ પાંભર (ઉં.વ.46) ગઈકાલે બપોરે મોટા વડા ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે હતા, ત્યારે તેને ઝેરી દવા પી લીધી હતી બાદમાં પરિવારજનોને બનાવ અંગે ફોન મારફત જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક પરિવારજનો દોડી ગયા હતા અને બીપીનભાઈને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં બીપીનભાઈ કેટરર્સનું કામ કરતા હોવાનું અને તેમને સંતાનમાં 1 પુત્ર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસથી કંટાળી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
કણકોટ ચોકડી પાસે હિટ એન્ડ રન પરસોતમભાઈ રવજીભાઈ સોરઠીયા (ઉં.વ.78) ગઈકાલે બપોરે 2 વાગ્યાની આસપાસ શુભ મંગલ પાર્ટી પ્લોટ કણકોટ ચોકડી પાસે ચાલીને જતા હતા, ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલક હડફેટે લઈ નાસી ગયો હતો. જેથી પરસોતમભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ પૂછપરછમાં પરસોત્તમભાઈ પોતાની વાડીએ ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવતા હતા, ત્યારે અજાણ્યો કારચાલક તેમને હડફેટે લઈને નાશી છૂટ્યો હતો. પરસોત્તમભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેઓ માનસિક અસ્વસ્થ હતા. હાલ રાજકોટ તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
પુત્રવધુને મરવા મજબુર કર્યાની ખોટી ફરિયાદ નોંધાતા સાસુનો આપઘાત પ્રયાસ મીનાબેન ઉપેનભાઈ વેગડા (ઉં.વ.44) ગઈકાલે સાંજના 6.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે ફીનાઇલ પી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મીનાબેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેના દીકરા પિયુષભાઈ વેગડાએ 26 વર્ષીય નિકિતા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. તેઓ દિનેશ એપાર્ટમેન્ટમાં અલગ રહેતા હતા. ગઈ તા.3ના રોજ નિકિતાએ તેના ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે નિકિતાના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, દહેજ માંગી દીકરીને હેરાન કરવામાં આવતી હતી એટલે આપઘાત કર્યો હતો. જેથી પોલીસે પુષ્પાબેન બાબુભાઈ રાઠોડની ફરિયાદ પરથી નિકિતાના પતિ પિયુષ વેગડા, સસરા ઉપેનભાઈ વેગડા, સાસુ મીનાબેન વેગડા, દાદાજી સસરા દાનાભાઈ વેગડા, દાદીજી સાસુ ભાણીબેન વેગડા સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે આ ફરિયાદમાં કરાયેલા આક્ષેપ ખોટા છે અને તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાઈ એટલે મીનાબેને ફિનાઈલ પી આપઘાત પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. હાલ માલવીયાનગર પોલીસે મીનાબેનનું નિવેદન નોંધી વળગુ તપાસ હાથ ધરી છે.