સાધુ વાસવાણી રોડ પર સનસીટી ડાયમંડ એપાર્ટમેન્ટમાં આઇકોન કોમ્પ્લેક્ષમાં રહેતાં કૈલાશ તુલબહાદુર સાઉદ (ઉ.વ.35) નામનો યુવકે આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની પત્ની ઘરની બહાર આટો મારી ફરી ઘરમાં જતાં તેનો પતિ કૈલાશને લટકેલી હાલતમાં જોતાં દેકારો કરતાં લોકો એકઠા થઈ ગયા હતા.
બનાવની જાણ 108 ને કરતા ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે પોલીસને જાણ થતાં તુરંત બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી યુવકનાં મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણવા મળ્યું કે મૃતક યુવક મૂળ નેપાળનો વતની અને અહીં આઇકોન કોમ્પ્લેક્ષમાં રહેતો અને ત્યાંજ સિક્યુરિટીમાં કામ કરતો હતો. યુવકને બ્લડ પ્રેશરની તકલીફ અને એક વર્ષ પહેલાં તેને પેરેલીસિસનો એટેક આવ્યો હતો. બાદ તેની તબિયત નાદુરસ્ત રહેતી અને તેની સારવાર પણ શરૂ હતી. બીમારીથી કંટાળી યુવકે આપઘાત કર્યો હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક યુવક બે ભાઈ અને બે બહેનમાં મોટાં અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.