રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ માધવ ઓટો પ્રા. લી. નામના TVSના શો રૂમના સ્ટોર રૂમમાંથી 10 મોપેડો બારોબાર ઉઠાવી લઈ રૂ.8.11 લાખની છેતરપિંડી થયાની મેનેજરે ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે કર્મચારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ ઉપર યોગી પાર્કમાં રહેતા શૈલેષભાઈ મનહરભાઈ મહેતાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે તેની કંપનીમાં હેલ્પર કમ એસેસરીઝ ફિટર તરીકે કામ કરતો ચીરાગ રમેશભાઈ ઝટીયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, પોતે છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવે છે. ગોંડલ રોડ પર ઓફિસે તેમજ એસ.ટી. વર્કશોપ પાસે શો રૂમના સ્ટોક યાર્ડમાં ચેક કરવાનું કામ કરે છે. છેલ્લા 6 માસથી હેલ્પર તરીકે માર્કેટીંગ યાર્ડ પાસે મંચ્છાનગર વિસ્તારમાં રહેતો ચીરાગ એસેસરીઝ ફિટિંગ કરવાનું તેમજ ડિસપ્લેમાં વાહન મૂકવાનું કામ કરતો હતો.