રાજકોટના કોઠારીયા રોડ ઉપર રણુજા સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા 31 વર્ષિય નિતેશ કુવરીયાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જંગલેશ્વરમાં રહેતો સાહિદ કડીવાર બહેન સાથે ઇન્સ્ટાગ્રામ એપમાં વાત કરતો હતો. જેની જાણ થતા જ સાહિદને વાત કરવાની ના પાડી હતી તેમ છતાં પણ તે 5 એપ્રિલના રાત્રિના સમયે ફરિયાદીના ઘર પાસે આંટા મારતો હતો. જેથી તેને ઘર પાસે આંટા મારવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે અહીં આંટા મારવા છે, તું અહીંથી જતો રહે નહિતર મારી નાખીશ. જેથી આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં શહેરના જામનગર રોડ ઉપર ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા 41 વર્ષિય સુમિત્રાબા દિલીપસિંહ જાડેજા 14 માર્ચના બપોરના સમયે ઘરને તાળું મારી સિવિલ હોસ્પિટલે ગયા હતા. તે દરમિયાન પાછળથી તસ્કરો તાળું તોડી ઘરમાં ઘૂસી હતા અને ઘરના કબાટમાં રાખેલા રૂ. 1.78 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂ. 2,200 ની રોકડ મળી રૂ. 1.80 લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.