રાજકોટમાં બહેનો હવે ઇવીની ડિઝાઇન બનાવવાથી લઈ તેનું રિપેરિંગ પણ કરી શકશે

સામાન્ય રીતે ટેક્નિકલ- મિકેનિકલ ક્ષેત્રમાં આવતી બહેનોની સંખ્યા ઓછી હોય છે. ત્યારે આ ક્ષેત્રમાં પણ બહેનો આગળ વધે અને સ્વનિર્ભર બને તે હેતુથી રાજકોટમાં સૌ પ્રથમવાર ઇલેક્ટ્રિક વ્હિકલ્સની ડિઝાઇન બનાવવાથી લઈ તેના રિપેરિંગ માટેની તાલીમ આપતા ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત થશે. જેમાં તમામ પ્રકારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે.આ ટ્રેનિંગ લીધા બાદ બહેનો પોતાના ઔદ્યોગિક એકમથી લઈ સર્વિસ સેન્ટર શરૂ કરી શકશે.

આ ટ્રેનિંગ સેન્ટર આત્મીય કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે. જેમાં 18 વર્ષથી લઈ કોઈ પણ ઉંમરની બહેનો જે 10 ધોરણ પાસ હોઈ તે જોડાઈ શકે છે.

આ ટ્રેનિંગ સેશનમાં બહેનોને ઇલેક્ટ્રિક વાહનની સમજૂતી અને તેના મેન્ટેનન્સ, કોઈ વાહનની ડિઝાઇન કેમ બને તેની તાલીમ નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહનનો વપરાશ વધ્યો છે ત્યારે બહેનો પણ આ ક્ષેત્રમાં આગળ આવે તે હેતુથી આ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી છે.

આ ટ્રેનિંગ સેન્ટર માટે આત્મીય યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ સોસાયટી ઓફ ઇનોવેટિવ એન્જિનિયર્સ કંપની વચ્ચે એમ.ઓ.યુ. થયા છે. જેમાં યુનિવર્સિટીના પ્રોફેસર અને કંપનીના નિષ્ણાત ટીમ દ્વારા બહેનોને તાલીમ અપાશે. આ માટે 22 ઓગસ્ટ એ રજિસ્ટ્રેશન માટેની અંતિમ મુદત છે. રજિસ્ટ્રેશન માટે 90990 76107 હેલ્પલાઈન જાહેર કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *