રાજકોટમાં બનેવીના ઝઘડામાં સાળા પર સાત શખ્સનો ખૂની હુમલો

શહેરના ગોંડલ રોડ પર વાળ કટિંગના પૈસા મુદ્દે સાત શખ્સોએ ઘાતક હથિયારો સાથે હેર ડ્રેસર પર ખૂની હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સામા પક્ષે પણ ચાર શખ્સે હુમલો કર્યાની પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે.

રામનાથપરા-14માં રહેતા ઇરફાનબેગ અફજલભાઇ મીરજાએ લોહાનગરમાં રહેતા દિનેશ, તેનો ભત્રીજો અને પાંચ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગોંડલ રોડ મક્કમ ચોક પર બોમ્બે બોયઝ હેર સ્ટાઇલ નામની દુકાન ધરાવતા બનેવી રફીકભાઇ મોગલને ઝઘડો થયાની જાણ થતાં પોતે મિત્ર સાથે ત્યાં દોડી ગયો હતો. બનાવ અંગે બનેવી રફીકભાઇને પૂછતાં લોહાનગરમાં રહેતા દિનેશને ત્યાં લગ્નપ્રસંગ હોય તેનો ભત્રીજો વાળ કપાવવા દુકાને આવ્યો હતો. બાદમાં પૈસાના મુદ્દે તે ઝઘડો કરી જતો રહ્યો હોવાની વાત કરી હતી. જેથી મામલો વધુ ન વણસે તે માટે પોતે રફીકભાઇ અને બંને મિત્રો સાથે લોહાનગર ગયા હતા.

ત્યાં દિનેશ સહિતનાઓ ઊભા હતા. સમાધાનની વાતો કરતા હતા તે સમયે કેટલાક શખ્સો ગાળો બોલવા લાગતા તેમને ગાળો બોલવાની ના પાડી હતી. જેને કારણે તે લોકો ઉશ્કેરાય જઇ ઝઘડો કરી આજ તો આમને જીવતા જવા દેવા નથી તેમ કહેતા ચારેય ત્યાંથી ભાગ્યા હતા. બાદમાં પોતે દિનેશ સહિતના શખ્સોના હાથે સપડાઇ ગયો હતો. અને લોહાનગરમાં લઇ જઇ આજે આને પતાવી દેવાનો છે તેમ કહી છરી, તલવાર, ધોકાથી હુમલો કરી તૂટી પડ્યા હતા. હુમલા સમયે દેકારો કરી મૂકતા દિનેશ સહિતના શખ્સો નાસી ગયા હતા. બનાવ બાદ મિત્ર ત્યાંથી પસાર થતા તે સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો. અને પોલીસે ખૂની હુમલો, રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સામા પક્ષે દિનેશ પરષોત્તમભાઇ ચુડાસમાએ રફીક હબીબ મોગલ અને તેની સાથેના ત્રણ અજાણ્યા સામે ફરિયાદ નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *