રાજકોટમાં બદકામના ઈરાદે 8 વર્ષની બાળકીનું અપહરણ

રાજકોટના રૈયાધાર વિસ્તારમાંથી આજે બપોરે શ્રમિક દંપતીની 8 વર્ષની બાળકીનું ભરત મગન મકવાણા (ઉ.વ.45) અપહરણ કરી જતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે કોઠારીયા સોલવન્ટ નજીકના વિસ્તારમાંથી ભરતને ઝડપી પાડી અપહૃત બાળકીને હેમખેમ મુક્ત કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી ભરતની પત્ની બે દીકરીઓ સાથે ઘણાં સમયથી રિસામણે છે જેના કારણે તે એકલો રહેતો હતો અને બદકામ કરવા ઈરાદે જ તેણે અપહરણ કર્યાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત તરફનું દંપતી છેલ્લા ઘણાં સમયથી રાજકોટમાં રહી મજુરી કામ કરે છે જેને સંતાનમાં બે દીકરી છે. જેમાંથી 8 વર્ષની નાની દીકરીને લઈ ગઈકાલે સવારે કડિયા કામની મજુરી માટે રૈયાધાર પરની સાઈટે પહોંચ્યા હતા. બપોરે દીકરી સાથે જમ્યા હતા ત્યારબાદ કામે વળગી ગયા હતા. તેમની દીકરી મકાનની અંદર રમતી હતી દરમિયાન આરોપી ભરત ત્યાં આવ્યો હતો જેના કારણે ત્યાં કડીયા કામ કરનારે તેને જતા રહેવાનું કહ્યું હતું જેથી ભરત ત્યાંથી બાળકીને ઉપાડી બહાર પહોંચ્યો હતો. બહારથી એક રિક્ષામાં બાળકીને લઈ રવાના થઈ ગયો હતો.

થોડીવાર પછી માતા-પિતાએ પુત્રીને ગાયબ જોઈ હતી તે વખતે સાઈટ પરના અમુક લોકો પાસેથી ભરત તેમની દીકરીને લઈ ગયાની માહિતી મળતા પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલે અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી ભરતનો મોબાઈલ ચાલુ હોવાથી લોકેશનના આધારે તાત્કાલિક પોલીસે તેને કોઠારીયા સોલવન્ટ પાસેના રસુલપરા વિસ્તાર પાસેથી ઝડપી પાડયો હતો અને બાળકીને મુક્ત કરાવી પરિવારને સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *