રાજકોટમાં ફાયર શાખામાં 428ની ભરતીને ફરી લાગ્યું PILનું ગ્રહણ

ગાંધીનગરમાં શુક્રવારે રાજકોટ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરની ટાસ્ક ફોર્સની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં 112 ઇમર્જન્સી સેવા, ફાયર શાખામાં સ્ટાફની ભરતી સહિતના મહત્ત્વના મુદ્દે ચર્ચા-વિચારણા કરી મહત્ત્વના નિર્ણય લેવાશે ત્યારે બીજીબાજુ ફાયર શાખામાં ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ થતા રાજકોટમાં 428 સહિત રાજ્યભરમાં ભરતી અટકી જવાના સંકેતો મળી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર શાખાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર ગાંધીનગર ખાતે શુક્રવારે તમામ ચીફ ફાયર ઓફિસરની ટાસ્ક ફોર્સની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની કોઇપણ ઇમર્જન્સી સેવા માટે હવે એક જ નંબર 112 અમલી કરવામાં આવી રહ્યો છે તેને લાગુ કરવા મુદ્દે મહત્ત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે. હાલમાં ગુજરાતમાં 112 ઇમર્જન્સી સેવા ટેસ્ટિંગ પિરિયડમાં ચાલી રહી છે અને આ ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ તમામ પ્રકારની ઇમર્જન્સી સેવાઓ માટે એકમાત્ર 112 નંબર અમલી બની જશે. ત્યારે આ નંબર અમલી કરવામાં આવનારા પડકારો અને સમસ્યાઓ અંગે પણ ચર્ચા થશે.

આ ઉપરાંત રાજ્યની વિવિધ મહાનગરપાલિકાની ફાયર શાખામાં ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, મેનેજર, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, સ્ટેશન ઓફિસર, ફાયર ઓફિસર, સબ ઓફિસર, લીડિંગ ફાયરમેન, સિનિયર અને જુનિયર ક્લાર્ક, ડ્રાઇવર, સહિતની વિવિધ પોસ્ટ પર ભરતી કરવા હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે તેનો રિવ્યૂ કરાશે. સંભવત: આ ભરતી પ્રક્રિયાને કદાચ બ્રેક લાગી જશે. ફાયર શાખાની આ ભરતી સામે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ થઇ હોય તેના કારણે કામચલાઉ ધોરણે ભરતીને બ્રેક લાગવાની સંભાવના છે. હાલમાં સરકારના લીગલ વિભાગ દ્વારા કાનૂની કાર્યવાહીનો જવાબ આપવા તૈયારી ચાલુ છે, પરંતુ જો ભરતી ન થાય તો શું કરવું તે મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *