રાજકોટ જિલ્લા અને ગ્રામ્ય અલગ-અલગ મહેકમ મંજૂરી મુજબ વિભાજન કરી બંનેમાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીઓ ફાળવવા અને વિભાજન ન થાય ત્યાં સુધી કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
સમિતિના અધ્યક્ષ ડૉ. પ્રિયવદન કોરાટે આ રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રમાં શિક્ષણનું પાટનગર છે, સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાની અપેક્ષાએ આવે છે. હાલમાં કાર્યરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નીચે સરકારી માધ્યમિક શાળા-46, ગ્રાન્ટેડ મા.અને ઉ.મા.શાળાઓ-230, સ્વર નિર્ભર મા.અને ઉ.મા.શાળાઓ- 634, અનુદાનિત પ્રાથમિક શાળાઓ- 6, સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ-628, અધ્યાપન મંદિર-1, ખાસ સંસ્થા-3 અને જેતપુર અને ઉપલેટા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ આટલી વિશાળ સંખ્યામાં સંસ્થાઓ કાર્યરત છે. જે બાબત ધ્યાન રાખી ભૂતકાળમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય અલગ-અલગ કચેરી શરૂ કરવા મહેકમ મંજૂર થયેલ છે પરંતુ આજ સુધી તે બાબત અમલમાં આવી નથી. છેલ્લા માસથી આ કચેરીમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેના લીધે વહીવટી શિથિલતા આવતા ઘણા બધા કર્મચારીઓના પ્રશ્નો અટકેલા પડ્યા છે.
સત્વરે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી રાજકોટનું મંજૂર મહેકમ અનુસાર જિલ્લા અને ગ્રામ્યમાં વિભાજન કરી શિક્ષણના વિશાળ હિતમાં બંને કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની નિમણૂક થાય અને જ્યાં સુધી આ વિભાજન ન થાય ત્યાં સુધી આ કચેરીમાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારી વર્ગ-1ની નિમણૂક કરવા રજૂઆત કરી છે. અગાઉ પણ અમદાવાદની જેમ રાજકોટમાં પણ ગ્રામ્ય-શહેરમાં અલગ ડિઇઓની માંગ કરાઇ હતી.