જામનગરના દરેડ ગામમાં રહેતા સુનિલ જગદિશ જાદવ (ઉં.વ.27) નામના યુવાને 2 વર્ષ પહેલા કરેલા પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી તેના સાળા સહિત બે આરોપીએ પાઈપના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવ હત્યામાં પલટાયા બાદ બી-ડિવિઝન પોલીસે જીવલેણ હુમલો કર્યા બાદ નાસી છૂટેલા મૃતક યુવાનના સાળા રવિ ઉર્ફે રવિરાજ મનુભાઈ પરમાર (ઉં.વ.22) અને તેના મિત્ર રવિ ઉર્ફે બબલી ડાયાભાઈ જોગિયાણી (ઉં.વ.24)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના સુનિલ જાદવે બે વર્ષ પહેલાં રવિની બહેન પ્રિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. લગ્ન બાદ બંને જામનગર રહેતા હતા. દરમિયાન ગત તા.6.03.2024ના રોજ રવિ જામનગર ગયો હતો અને સારવાર કરાવવાના બહાને બહેન પ્રિયાને તેડીને પોતાના ઘરે રાજકોટ લઈ આવ્યો હતો. ત્યારબાદ રવિએ બહેન પ્રિયાને તેના પતિ સાથે વાતચીત કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. એટલું જ નહીં તેને સાસરે પણ મોકલતો નહોતો. જેના કારણે સુનિલ ગત તા.13.03.2024ના રોજ પત્નીને તેડવા તેના ઘરે પહોંચ્યો હતો. એ વખતે રવિ અને તેના મિત્ર રવિએ ભેગા મળી સુનિલને પાઈપના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે સુનિલને પગમાં ફ્રેક્ચર થઈ ગયા હતા.