રાજકોટ રૂડા (રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી) દ્વારા શહેરના નવા રીંગ રોડ-2ના વિકાસ માટે ફેઝ-5 અંતર્ગત મોરબી રોડથી અમદાવાદ રોડને જોડતા ફોરલેન માર્ગના નિર્માણ માટે રૂપિયા 98.45 કરોડનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કારણે રાજકોટની ભાગોળેથી પસાર થતા હજારો વાહન ચાલકોને સીધો લાભ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા અમદાવાદ હાઈ-વે અને મોરબી હાઈ-વે વચ્ચેની કનેક્ટિવિટી સુધરતા શહેરમાં પ્રવેશતા ભારે વાહનોનું ભારણ ઘટશે. જેના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી શક્યતા છે. ચાલુ મહિનાના અંત સુધીમાં આ કામ શરૂ થાય એવી શક્યતા છે.
ફેઝ-1થી 4ના કામો અલગ-અલગ સ્તરે પ્રગતિમાં છે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના નવા રીંગ રોડના નિર્માણની પ્રક્રિયા છેલ્લા ચાર વર્ષથી તબક્કાવાર ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ફેઝ-1થી 4ના કામો અલગ-અલગ સ્તરે પ્રગતિમાં છે. હાલમાં જામનગર રોડથી કાલાવડ રોડ સુધીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે જામનગર રોડથી ગોંડલ રોડ, ગોંડલ રોડથી ભાવનગર રોડ અને ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધીના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. આ કામગીરી દરમિયાન માર્ગમાં આવતા 7 જેટલા મોટા નાલા અને પુલનું કામ પણ સમાંતર રીતે આગળ વધી રહ્યું છે.
મોરબી રોડને જોડતા ફેઝ-5ના કામના ખર્ચને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી જ્યારે જામનગર રોડથી ગોંડલ રોડને જોડતા સિંગલ લેન માર્ગને ફોરલેનમાં રૂપાંતરિત કરવાની મંજૂરી મળ્યા બાદ અત્યારે બંને સાઈડ પર બાંધકામની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. રૂડા દ્વારા તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં અમદાવાદ રોડથી મોરબી રોડને જોડતા ફેઝ-5 ના કામના ખર્ચને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન સંપાદનની પ્રક્રિયા પણ હવે અંતિમ તબક્કામાં છે. જમીન કપાત બાદ નક્કી કરવામાં આવેલી લાઈનદોરી મુજબ ફોરલેન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.