રાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ

રાજકોટના આંગણે પ્રથમ વખત ‘ચક દે ઇન્ડિયા’ના દૃશ્યો જોવા મળશે. ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોની 35થી વધુ પુરુષ અને મહિલા ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. જેમાં પેરા મિલિટરી ફોર્સનો પણ સમાવેશ થાય છે.

રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત મનપા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોકી ગ્રાઉન્ડમાં યોજાનાર પોલીસ હોકી ચેમ્પિયનશિપનું હાલ રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે જે માટે અંતિમ તારીખ 28 નવેમ્બર છે. રાજકોટમાં પ્રથમ વખત આયોજન થતાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં 10 કમિટી બનાવવામાં આવી છે અને તમામ કમિટીને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે, જેના દ્વારા હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ ટૂર્નામેન્ટને યાદગાર બનાવવા અને ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરવા શહેર પોલીસ દ્વારા ઝીણવટભરી બાબતો આવરી લઈ પુરજોશમાં તૈયારીઓ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહી છે. તા. 4 ડિસેમ્બરના રોજ પ્રથમ ભવ્ય ઓપનિંગ સેરેમની રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 8:30 વાગ્યે યોજવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે.

15 ડિસેમ્બરે ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે આ પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભાગ લેતી દરેક ટીમ સાથે ઇન્ટ્રોડક્શન પણ કરાશે. જ્યારે તા. 15 ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે 4 વાગ્યે યોજવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *