રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ અંતર્ગત 29 જાન્યુઆરી, 2026ના રોજ હાથ ધરવામાં આવેલા આ સઘન અભિયાનમાં શહેરના મુખ્ય માર્ગો પર તપાસ કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન 11.800 કિગ્રા જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને નિયમોનું ઉલ્લંઘન કરનારા 91 આસામીઓ પાસે રૂ. 27,600નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુ. કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તથા ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેરો દ્વારા સુપરવાઈઝ કરવામાં આવી હતી.
રાજકોટ સહિત રાજ્યની તમામ મહાપાલિકાઓમાં જન્મ-મરણના જૂના ડેટા કેન્દ્ર સરકારના સીઆરએસ (CRS) પોર્ટલ પર ટ્રાન્સફર નહીં થતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 6 માસથી જન્મ-મરણ વિભાગમાં અરાજકતાનો માહોલ છે, જેના કારણે રાજકોટ મનપા દ્વારા રાજ્યના આરોગ્ય કમિશનરને તાકીદની રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ મનપા પાસે 1950થી જન્મ અને 1965થી મરણનો ડેટા ઉપલબ્ધ છે.