રાજકોટમાં વકીલ તરીકે ઓળખાવતા એક શખ્સે તેના સંબંધીની દુકાનમાં ઘૂસીને છેડતી અને તોડફોડ કરી હતી. એટલું જ નહીં આ શખ્સે પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવી હતી. જ્યાં તેણે PSI અને હેડકોન્સ્ટેબલનો કાંઠલો પકડી લીધો હતો. આ મામલે તેની સામે બે ગુના નોંધવામાં આવ્યા છે. માલવીયાનગર વિસ્તારમાં એક યુવતી પોતાની સોડાની દુકાન ચલાવે છે. શનિવારે સાંજે, તેના જીજાજી હિતેશલાલ મકવાણા જે પોતાને વકીલ ગણાવે છે, તે તેની દીકરી સાથે દુકાને પહોંચ્યા હતા. તેમણે યુવતીને તેની પત્ની ક્યાં છે તેવું પૂછીને તેની પાસે અભદ્ર માંગણી કરી અને છેડતી કરી હતી. તેણે દુકાનમાં પણ તોડફોડ કરતા યુવતીને પગમાં ઈજા થઈ હતી. આ ઘટના અંગે પીડિતા ફરિયાદ નોંધાવવા માલવીયાનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેની પાછળ તેનો હિતેશ પણ એક મહિલા સાથે ત્યાં પહોંચ્યો હતો. અને યુવતી સાથે ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો.
પોલીસ સ્ટાફે તેમને શાંત પાડવાનો પ્રયાસ કરતા, આ શખ્સે પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી કરી અને હેડકોન્સ્ટેબલ અજય વિકમા અને પીએસઆઈ એમ. જે. ધાધલના કાંઠલા પકડીને તેમની ફરજમાં રૂકાવટ કરી હતી. જેને લઈને આખરે પોલીસે બળપ્રયોગ કરીને તેને કાબૂમાં લીધો હતો. આ ઘટના બાદ, પોલીસે આ શખ્સ સામે છેડતી અને તોડફોડ કરવા બદલ તેમજ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી તેમની ફરજમાં રૂકાવટ કરવા બદલ એમ બે અલગ-અલગ ગુના નોંધ્યા છે.