રાજકોટમાં જમીન સંપાદન બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આનાકાની કરતા સરકારી તંત્રને કોર્ટે કાયદાનું ભાન કરાવ્યું છે. કચ્છના ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના સંશોધન માટે 13 ખેડૂતોની 125 એકર જમીન સંપાદન કરાઈ હતી. જેનું યોગ્ય વળતર ન મળતા 9 ખેડૂતોએ ભચાઉ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે રૂ. 1.15 કરોડ ચૂકવવાનો આદેશ કરવા છતાં પુરાતત્વ વિભાગ હાઈકોર્ટમાં ગયું હતું, જ્યાં કોર્ટે વિભાગને રૂ. 1 લાખનો દંડ ફટકારી વળતર ચૂકવવા તાકીદ કરી હતી.
આમ છતાં, વળતર ન ચૂકવાતા ખેડૂતોના વકીલ પ્રિયન નાકર અને કે.એસ. નેગીએ રાજકોટ કોર્ટમાં જપ્તીની અરજી કરી હતી. સોમવારે કોર્ટના અધિકારીઓ રાજકોટની જૂની કલેક્ટર કચેરી સ્થિત પુરાતત્વ વિભાગની ઓફિસે કમ્પ્યુટર, પ્રિન્ટર, ફર્નિચર અને એસી જપ્ત કરવા પહોંચતા જ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. અંતે, વિભાગે આગામી 19 માર્ચ સુધીમાં વળતર ચૂકવી દેવાની લેખિત બાંહેધરી (અંડર ટેકિંગ) આપતા જપ્તીની કાર્યવાહી હાલ પૂરતી અટકી હતી.
બકરાં ચરાવી ગુજરાન ચલાવીએ છીએ : ખેડૂત રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ પુરાતત્ત્વ વિભાગની કચેરીની જપ્તીની કાર્યવાહી સમયે ધોળાવીરા ગામના ખેડૂત રાજાભાઈ દેવાભાઈ મલ્લુ તેમજ તેમના ભત્રીજા વકીલો સાથે હાજર રહ્યા હતા. ખેડૂત રાજાભાઈએ જણાવ્યું હતું કે, પુરાતત્ત્વ વિભાગે 20 વર્ષથી અમારી વડીલોપાર્જિત 8 એકર જમીન લઇ લીધી છે. પૂરતું વળતર પણ ન ચૂકવતા હાલમાં અમે ખેતી વગર બેકાર બની ગયા છીએ. હાલમાં રાજાભાઈ સહિતના નવ જેટલા ખેડૂતો વળતર માટે કાનૂની જંગ લડી રહ્યા છે. જોકે ખેતી છીનવાઈ જતા રબારી જ્ઞાતિના રાજાભાઈ સહિતના લોકો ઘેટાં-બકરાં ચરાવી જીવન નિર્વાહ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.