રાજકોટમાં પાર્ટી પ્લોટમાં બેઠા બેઠા યુવાન, કોલેજ પ્રોફેસર અને ઘર પાસે બેસેલા પ્રૌઢ ઢળી પડ્યા

રાજકોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન તબિયત લથડવી અને બેભાન થવાથી સારવાર માટે લઈ જતાં મોત નીપજ્યાના ત્રણ કિસ્સા સામે આવ્યા છે. જેમાં 33 વર્ષીય યુવાન અને 59 વર્ષના કોલેજ પ્રોફેસર લગ્ન પ્રસંગ વખતે જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જ્યારે ત્રીજા બનાવમાં મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી ઘર પાસે બેઠા હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ત્રણેય લોકોના ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

જેનીશ રમેશભાઈ ભૂત (ઉં.વ. 33, રહે.કોઠારીયા ગામ) ગઈકાલે સાંજે ખોખડદળ પાસે લગ્ન પ્રસંગમાં વ્રજ વિહાર પાર્ટી પ્લોટમાં હતા, ત્યારે ખુરશી પર બેઠા બેઠા અચાનક બેભાન થઈ જતા સારવાર અર્થે સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલી શુભમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કરતા ઘટના સ્થળે આજીડેમ પોલીસના હરપાલભાઈ સોલંકી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકને ત્રણ સંતાનો છે. લગ્ન પ્રસંગે ઘટના બનતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

બીજા બનાવ માવાભાઈ રાણાભાઈ રાઠોડ (ઉ.વ.59, રહે. શાસ્ત્રીનગર અજમેરા, નાનામવા મેઈન રોડ) ગઈકાલે સાંજે મુંજકા ખાતે વિશ્વકર્મા પાર્ટી પ્લોટમાં હતા, ત્યારે બેઠા બેઠા ઢળી પડ્યા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. પરિવારે જણાવ્યું કે, માવાભાઈ રાઠોડ તેમના મામાના દીકરાની દીકરીના લગ્નમાં હાજરી આપવા માટે સહપરિવાર ગયા હતા. જ્યાં બેભાન થઈ ગયા હતા. માવાભાઈ મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પત્ની પણ પ્રોફેસર તરીકે નોકરી કરી રહ્યા છે. તેમને સંતાનમાં એક દીકરો છે. જે બેંકમાં નોકરી કરે છે. પરિવારના મોભીના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

ત્રીજા બનાવ મનોજભાઈ પરમાર (ઉં.વ. 58, રહે ત્રિલોક પાર્ક, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ) રાત્રિના 11:30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. મનોજભાઈ અગાઉ રાજકોટ મનપામાં ફરજ બજાવતા હાલ નિવૃત હતા. લગ્ન પ્રસંગમાં તબિયત લથડતા ઘરે આવ્યા હતા. જ્યાં બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. મનોજભાઈ 3 ભાઈ અને 1 બહેનમાં મોટા હતા. તેમને સંતાન 1 પુત્ર છે. મૃત્યુના બનાવથી પરિવારમા શોક છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *