લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ આખરે રાજકોટમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ચાલુ સિઝનમાં પહેલીવાર લઘુતમ તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, જેના કારણે છેલ્લા બે દિવસથી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી રહ્યું હતું.
બુધવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. માવઠા બાદ રાજકોટ, ગોંડલ, અમરેલી અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં શિયાળાના આગમનની ચાડી ખાતું ગાઢ ધુમ્મસ છવાયું હતું.
સવારે શહેરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી (દૃશ્યતા) નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. ખાસ કરીને હાઇવે પર વાહન ચલાવતા લોકોને મુશ્કેલી પડી હતી અને ધીમા હાંકીને આગળ વધવું પડ્યું હતું. ધુમ્મસના પગલે સવારે ગુલાબી ઠંડીનો પ્રારંભ થયો છે.
હવે માવઠાની કોઈ શક્યતા નથી, 8મીથી પવનની ગતિ-દિશા બદલાશે 20 નવેમ્બર સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હવે કોઈ માવઠાની શક્યતા નથી. તાપમાનનો પારો હાલ 30થી 34 ડિગ્રી રાજ્યના જુદા જુદા શહેરોમાં રહ્યું છે. 10 નવેમ્બર આસપાસ તાપમાન 30 ડિગ્રી આસપાસ થવાની શક્યતા છે જે શિયાળુ પાક માટે સાનુકૂળ છે. 10થી 30 નવેમ્બર દરમિયાન શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવે તો તે યોગ્ય સમય જ ગણવામાં આવે છે. 10 નવેમ્બરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાવવાના શરૂ થઇ જશે. આમ તો 8 નવેમ્બરથી જ પવનની ગતિ અને દિશામાં ઘણો બધો બદલાવ જોવા મળશે.