રાજકોટ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મળતિયાઓ મારફત લેઉવા-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવતી પત્રિકા બહાર પાડી હોવાના આરોપ સાથે શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને હાનિ પહોંચે તેવું લખાણ હોવાથી આવું વૈમનસ્ય ફેલાવતા જવાબદારોને ઝડપી પાડવા માગ કરવામાં આવી હતી. આ રજૂઆતની ગણતરીની કલાકોમાં પોલીસ એક્શન મોડમાં આવી હતી. અને લેઉવા પટેલ સમાજના ચાર યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેને પગલે કોંગી આગેવાનો મોડીરાત્રે ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા. અને લેઉવા પટેલોને નિશાન બનાવાતા હોવાનો કોંગી પાટીદાર મહિલા નેતા પીનલબેન સાવલિયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના અમુક મળતિયાઓ દ્વારા લેઉવા-કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવી પત્રિકા વાઇરલ કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો હતો. સમગ્ર મામલે પોલીસે કુલ 4 યુવકોને ઝડપી લીધા છે. વોર્ડ નં. 11ના ભાજપ પ્રમુખ મહેશ પીપળિયાની ફરિયાદના આધારે કેતનભાઈ તાળા, પ્રકાશભાઈ વેજપરા, દીપભાઈ ભંડેરી તેમજ વિપુલભાઈ તારપરા વિરુદ્ધ બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા તેમજ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેર કરાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે ચારેય પાટીદાર યુવકોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રૂપિયા 15-15 હજારના જામીન પર ચારેય યુવાનોને મુક્ત કરવા હુકમ કર્યો છે. થર્ડ એડિશનલ સિવિલ જજ એન્ડ JMFC બી.પી.ઠાકર સાહેબની કોર્ટમાં તાલુકા પોલીસે ચારેય યુવાનોને રજૂ કર્યા હતા.