સુરતમાં નોટરી બનાવવાના નામે વકીલોને ખંખેર્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે તેના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે અને રાજકોટમાં પણ વકીલાત કરતા 40 કરતા વધુ વકીલોને નોટરીનું લાઇસન્સ અપાવવાના બહાને વચેટિયાએ રૂ.1.50 કરોડ ખંખેરી લીધાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.
આ અંગે ભાજપ લીગલ સેલને મૌખિક ફરિયાદ મળતા વકીલોને લેખિત ફરિયાદ કરવા કન્વીનર પીયૂષ શાહે જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નોટરીની નિમણૂક માટે વકીલોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાં નોટરી એક્ટ મુજબ ઉમેદવારી કરતા 8086 જેટલા વકીલોની નોટરી તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં પણ વકાલતની પ્રેક્ટિસ કરતા વકીલોએ નોટરી બનાવવા અરજી કરી હતી. રાજ્ય સરકારે રાજકોટ જિલ્લામાં કુલ 190 વકીલને નોટરી તરીકે માન્યતા આપી હતી.
દરમિયાનમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખપદે જે.જે.પટેલની નિમણૂક થયાના ગણતરીના કલાકો રાજ્ય સરકારે નોટરી તરીકેની અરજી કરનાર તમામ વકીલોને નોટરી તરીકે નિમણૂક આપી દેતા સુરતમાં વચેટિયાએ નોટરી બનાવવા માટે ઉઘરાણાનું કૌભાંડ અચાનક પ્રકાશમાં આવ્યું હતું અને સુરતની ઘટનાના પડઘા શમે તે પૂર્વે રાજકોટમાં પણ વચેટિયાઓ નોટરી બનવા માટે વકીલો પાસેથી રૂ.3.50 લાખથી 5 લાખ સુધીના ઉઘરાણા કર્યાની વિગતો પ્રકાશમાં આવી હતી.