ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની શાનદાર જીત થતા સમગ્ર દેશમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું છે. ત્યારે રાજકોટમાં પણ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીતને વધાવવા માટે રાજકોટવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોડી રાત સુધી વિજય ઉત્સવ મનાવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારોમાં જાણે મિની દિવાળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને આખું શહેર હિલોળે ચડ્યું હતું.
રાજકોટના મુખ્ય વિસ્તારોમાં ભારે ભીડ ભારતની જીત સાથે જ રાજકોટના બહુમાળી ચોક, એસ્ટ્રોન ચોક, રેસકોર્સ અને કાલાવડ રોડ જેવા વિસ્તારોમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને રાષ્ટ્રધ્વજ લહેરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. વાતાવરણ એટલું જોશભર્યું હતું કે ચારેતરફ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા ગુંજી રહ્યા હતા.
શહેરમાં ઠેર-ઠેર ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. યુવાનો અને મહિલાઓએ ‘સુનો ગૌર સે દુનિયાવાલો’, ‘બુરી નજર ના હમ પે ડાલો’ અને ‘જલવા જલવા’ જેવા દેશભક્તિના ગીતોના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. લોકોએ ઢોલ-નગારા સાથે નાચી-કૂદીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.