રાજકોટમાં દિવાળીના તહેવાર નિમિત્તે રેસકોર્સ રિંગરોડ રોશનીથી ઝગમગશે. મહાનગરપાલિકા દ્વારા આગામી 16થી 20 ઓક્ટોબર 5 દિવસ માટે રેસકોર્સ રીંગરોડ પર ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કાર્નિવલની મુખ્ય વિશેષતા ‘સ્વદેશી થીમ’ રહેશે. જેના પર રેસકોર્સ રીંગરોડ રોશનીથી ઝળહળશે. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં રોશની, રંગોળી સ્પર્ધા અને આતશબાજી જેવા અનેક આકર્ષણોનો સમાવેશ થાય છે. હાલ દિવાળી ઉત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં છે.
મેયર નયનાબેન પેઢડિયાનાં જણાવ્યા મુજબ મનપા દ્વારા આવતીકાલથી 20 ઓક્ટોબર સુધી રોશની સાથેનાં દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના સ્વદેશી અપનાવવાના આહવાનને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ આ વર્ષે રેસકોર્સ રીંગરોડની રોશની માટે સ્વદેશી થીમ પસંદ કરી છે. આ રોશની માટે રૂ. 78 લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ રોશની માટે રૂ. 85 લાખના એસ્ટિમેન્ટ સાથેનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું હતું. રેસકોર્સ ફરતે કરવામાં આવેલી આ ભવ્ય રોશનીને 16મી ઓક્ટોબરે શહેરીજનો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ રોશનીનું આકર્ષણ રાજકોટવાસીઓને પાંચ દિવસ સુધી જોવા મળશે.