રાજકોટમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટનાં ધર્મેન્દ્ર રોડ સહિતની તમામ મુખ્ય બજારોમાં વિવિધ વસ્તુઓ ખરીદવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. સવારથી રાત સુધી મોટી સંખ્યામાં લોકો બજારોમાં ઉમટી રહ્યા છે અને કપડાની સાથેસાથે મુખવાસ, ફટાકડા, રંગોળીના કલર સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. જેમ-જેમ દિવાળી નજીક આવશે તેમ-તેમ ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાની તેમજ આ સિઝનમાં અંદાજે રૂ. 250 કરોડથી વધુ ટર્નઓવર થાય તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટનાં ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, ગુંદાવાડી, સાંગણવા ચોક, પેલેસ રોડ, યાજ્ઞિક રોડ, સોની બજાર, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ અને સદર બજાર વગેરે વિસ્તારમાં હાલમાં દિવાળીની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. બજારોમાં કપડાં, તોરણ, ઇલેક્ટ્રિક દીવડા, લાઈટિંગ સિરીઝ, લાભ- શુભના, સ્વસ્તિકના, ભગવાનના સહિત અનેક પ્રકારના સ્ટીકર, ફૂલદાની, મુખવાસ, ફટાકડા, રંગોળીના કલર વગેરે વસ્તુઓનું ધૂમ વેચાણ શરૂ થયું છે. તહેવાર આડે ગણતરીના દિવસો બાકી હોવાથી બજારોમાં ભીડ ઉમટી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *