રાજકોટમાં લોકમેળા સમિતિ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરાયું છે. 14થી 18 ઓગસ્ટ સુધી રેસકોર્સના ગ્રાઉન્ડમાં લોકમેળો યોજાશે. જોકે એક તબક્કે લોકમેળો અટલ સરોવર નજીક સ્થળાતંર કરવાની વિચારણા કરવામાં આવી હતી પરંતુ જમીન સમથળ કરવા સહિતના પડકારો સામે આવ્યા હતા. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ લોકમેળો રેસકોર્સમાં જ યોજાશે. તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લોકમેળાના પ્લોટ, સ્ટોલ માટેની અરજી, ડ્રો અને હરાજીની તારીખ વગેરે જાહેર કરી દેવામાં આવ્યું છે.
મેળામાં રમકડાં-ખાણીપીણીના સ્ટોલ -પ્લોટ માટેના ફોર્મ 9 જૂનથી 13 જૂન સુધીમાં મેળવી લેવાના રહેશે. આ ફોર્મ ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, નાયબ કલેક્ટર કચેરી પ્રાંત-1, જૂની કલેક્ટર કચેરી રાજકોટ ખાતેથી સવારે 11.00થી સાંજના 4.00 સુધી મેળવી લેવાના રહેશે. અરજીપત્રક માટેની ફી રૂ.200 નક્કી કરવામાં આવી છે. ફોર્મમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજીપત્રક રજૂ કરી શકાશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે.
જ્યારે બી કેટેગરીના રમકડાંના 120 સ્ટોલ, કેટેગરી સીના ખાણીપીણીના 6 સ્ટોલની હરાજી 23 જૂનથી સોમવારે 11.00 કલાકે, જ્યારે મધ્યમ ચકરડીના 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના 12 પ્લોટની હરાજી 23 જૂનના રોજ સવારે 11.30 કલાકે રાખવામાં આવી છે. આ ઉપરાંત 24 જૂના રોજ મંગળવારે કેટેગરી એ ખાણીપીણી માટેના 2 પ્લોટ અને બી-1 કોર્નર ખાણીપીણીના 44 પ્લોટ માટે સવારે 11.30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના 5, એફના 3, જી કેટેગરીના 20 અને એચ કેટેગરીના 6 પ્લોટની હરાજી 25 જૂનના બુધવારે સવારે 11.30 કલાકે થશે. જ્યારે 26 જૂને ગુરુવારે કેટેગરી એક્સ આઈસક્રીમના 16 પ્લોટ અને કેટેગરી ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે સવારે 11.30 કલાકે હરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ,પ્લોટના ડ્રો અને હરાજી નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ-1 જૂની કલેક્ટર કચેરી કંપાઉન્ડ ખાતે યોજાશે.
કેટેગરી જે અને કેનું ફોર્મ ભરનાર અરજદારએ મનપાનો રેસકોર્સ મેદાન ખાતેનો એલોટમેન્ટ લેટર રજૂ કરવાનો રહેશે ત્યારબાદ જ ફોર્મ સ્વીકારાશે. કેટેગરી જે તથા કે માટેના પ્રવેશ દર મહત્તમ રૂ.35, ઈ, એફ, જી, એચ યાંત્રિક કેટેગરીની આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂ.45 લેવાના રહેશે.