જન્માષ્ટમીનો તહેવારો નજીક આવતા સાથે જ બૂટલેગરો એક્ટિવ બન્યા છે અને રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં દારૂના જથ્થાની હેરાફેરી શરૂ કરી દીધી હોય તેમ પોલીસથી બચવા અલગ અલગ નુસ્ખા અપનાવી દારૂ પહોંચાડવામાં આવી રહ્યો છે. એક બાદ એક દરોડામાં દારૂ-બીયરના મોટા જથ્થા ઝડપાઇ રહ્યા છે. ત્યારે રાજકોટ એલસીબી ઝોન-1ની ટીમ દ્વારા કાળીપાટ ગામ પાસેથી ટાટા વીંગર મીની બસમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂની 306 બોટલ સાથે સુરતના બે શખસોની ધરપકડ કરી 11.60 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. દારૂનો જથ્થો ગોવાથી ભરી વિસાવદરના મોટી મોણપરી ગામે સપ્લાય કરવાનો હોવાની માહિતી પોલીસ તપાસમા સામે આવી છે.
રાજકોટ શહેર એલસીબી ઝોન-1ના PSI બી.વી. બોરીસાગર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે હેડ કોન્સટેબલ મનરુપગીરી ગોસ્વામી અને કોન્સટેબલ હિતેષ પરમારને બાતમી મળી હતી કે, માલીયાસણ ગામથી ભાવનગર રોડ પર એક ટાટા વીંગર મીની બસ દારૂનો જથ્થો ભરી પસાર થવાની છે જેના આધારે સ્ટાફે કાળીપાટ ગામ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે પસાર થયેલ ટાટા વીંગર ડીડી.01.આર.9442ને અટકાવી વીંગર ચાલકનું નામ પુછતા ધર્મેશ ગોવિંદ કાથરોટીયા (ઉ.વ.34) અને તેની સાથે રહેલા શખસે દિક્ષીત મનસુખ સતાસીયા (ઉ.વ.35) હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમે ટાટા વીંગરમાં તપાસ કરતાં સીટ નીચે બનાવેલા ચોરખાનામાં દારૂનો જથ્થો હોવાનું સામે આવતા વીંગરની સીટો હટાવતા તપાસ કરતાં તેમાંથી દારૂની કુલ 306 બોટલ મળી આવતા બંને શખસોની ધરપકડ કરી કુલ 11.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.