રાજકોટમાં તહેવારોમાં ફરવાનાં સ્થળોએ લોકો ઉમટ્યા

રાજકોટમાં હાલ દિવાળીનાં તહેવારોની ઉજવણી કરાઈ રહી છે. જેમાં તહેવારોમાં બહારગામ નહિ ગયેલા લોકો માટે રાજકોટનું રામવન, ઝૂ, અટલ સરોવર પિકનીકના હોટસ્પોટ બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા સંચાલિત એવું ઇશ્વરીયા પાર્ક પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેને લઈ સોમવારે રજાનાં દિવસે પણ પાર્ક ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, નિયમોનું પાલન શક્ય નહીં હોવાથી બોટિંગ હજુ પણ બંધ રાખવામાં આવ્યું છે છતાં વિવિધ ફરવાનાં સ્થળોનાં સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

રાજકોટ કોર્પોરેશન સંચાલિત ઝૂ, રામવન અને ગાંધી મ્યુઝીયમ તેમજ અટલ સરોવર રજામાં મુલાકાત લઈ શકાય એવા છે. જ્યારે જિલ્લા તંત્ર દ્વારા બનાવાયેલા ઈશ્વરીયા પાર્કની પણ મજા અલગ છે. ઈશ્વરીયા પાર્ક આગામી 5 નવેમ્બર સુધી દરરોજ સવારે 10થી રાતે 8 સુધી ખુલ્લુ રહેશે. ઈશ્વરીયા પાર્કમાં પ્રકૃતિ, ડાયનોસૌર પાર્ક, ગ્રીનરી માણવા લોકો ઉમટી રહ્યા છે. આવી જ રીતે ઝૂમાં સિંહ, વાઘ, દિપડા, હરણ, રીંછ, વાંદરા સાથે સરિસૃપ નિહાળી પક્ષીઓનો કલરવ પણ માણવા માટે લોકોની ભીડ જામી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *