રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આવતીકાલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. રૂપાલા આવતીકાલે યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક સુધી પહોંચશે. જ્યાં રૂપાલા જંગી સભાને સંબોધવાના છે, જેને લઇને આજે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમના આ ઉમેદવારી પત્ર ભરવાના સમયે તેમની સાથે તમામ ધારાસભ્યો, પૂર્વ મુખ્યમંત્રી, કર્ણાટકના પૂર્વ ગવર્નર તેમજ મેયર સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. એ બાદ તેઓ 12.39 ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે.
રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આવતીકાલે પુરુષોતમ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવાના છે. જંગી સભા સંબોધવાના છે, ત્યારે તેને લઈને રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા પોતાનું ચૂંટણી ફોર્મ ભરવાના છે. સૌપ્રથમ તેઓ 16મી એપ્રિલે સવારે 9 વાગ્યે શહેરના યાજ્ઞિક રોડ ઉપરના જાગનાથ મહાદેવ મંદિરે જશે. જ્યાં મહાદેવ સમક્ષ શીશ ઝુકાવશે. જે બાદ તેઓ રેલી મારફત બહુમાળી ભવન ચોક સુધી પહોંચશે. આ રેલીમાં તેમની સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, લોકસભાનાં પૂર્વ સાંસદ મોહન કુંડારીયા ઉપરાંત રાજકોટના મેયર સહિતનાં મહાનગરપાલિકાના પદાધિકારીઓની સાથે સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે.