હવામાન વિભાગ દ્વારા ચોમાસુ સમયસર આવવાની અને વરસાદ પ્રમાણમાં સારો થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને કલેક્ટર તંત્ર દ્વારા પણ પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં પ્રિમોન્સુન કામગીરીને લઈને કલેક્ટર પ્રભવ જોશીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ રાહત-બચાવ અને પાવર બેક-અપની સાથે જ સંદેશા વ્યવહારનાં સાધનોના સેટઅપની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
કલેક્ટર પ્રભવ જોશીનાં જણાવ્યા અનુસાર બેઠકમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત તાલુકા સ્તરે લાયઝન અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી. વર્ષાઋતુ અગાઉ કરવાની કામગીરી જેમકે બચાવ અને રાહત કામગીરી, ગ્રામ્ય કક્ષાએ જરૂરી ટીમ-સ્ટાફ, સાધનો, ભારે વરસાદની સ્થિતિમાં લેવાના તકેદારીના પગલાં, સ્થાનિક તરવૈયાઓની યાદી, SOP ટીમની સજ્જતા,વિવિધ વોકળા-નદીપટની સફાઈ, પશુઓને ઘાસચારો વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વર્ષામાપક યંત્રનુ મેન્ટેનન્સ અને ડેમ-કેનાલ વગેરેના દરવાજાની ચકાસણી અને સફાઈ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.