રાજકોટમાં ચેક રિટર્ન કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ બેંકકર્મીએ ગળેફાંસો ખાધો

રાજકોટ જામનગર રોડ પર આવેલ સ્લમ ક્વાર્ટરમાં રહેતાં રવિભાઈ ચમનભાઈ પઢીયાર (ઉ.વ.35) નામના બેંક કર્મચારીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ચેક બાઉન્સ કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ પરત નોકરી મળશે કે નહિ તેની ચિંતામાં યુવાને અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ નજીક સરપદળ ગામમાં આવેલ દેના બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવતાં રવિભાઈ ગઈકાલે રાત્રે પોતાના ઘરે આઠ વાગ્યાની આસપાસ પરિવાર સાથે જમ્યા બાદ પોતાના રૂમમાં જઈ પંખાના હુકમાં સાફાની ચુંદડી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પડોશીએ બારીમાંથી જોતાં યુવક લટકેલી હાલતમાં જોવા મળતાં ઘર બહાર બેસેલ તેની પત્નીને જાણ કરી હતી.

જે બાદ પરિવારે 108ને જાણ કરી યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પેહલાં જ યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.

મૃતકના ભાઈ દિપ પઢીયારે જણાવ્યું હતું કે, રવિભાઈ છેલ્લા સાત વર્ષથી દેના બેંકમાં પ્યુન તરીકે ફરજ બજાવતાં હતાં. જેમને એક મંડળીમાંથી લોન લીધી હતી. જેના હપ્તાના આપેલ ચેક બાઉન્સ થતાં મંડળીએ તેની પર પોલીસ કેસ કર્યો હતો. જે મામલે તે 15 દિવસ જેલમાં રહ્યા બાદ ગત તા.1 મેં ના રોજ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો. જે બાદ તેને નોકરીમાં હાજર થવા માટે બેંક તરફથી જરૂરી કાગળો અંગે માહિતી માંગતા તે ચિંતામાં રહેતો હતો. જેથી નોકરી પરત નહીં મળે તો તેની ચિંતામાં અંતિમ પગલું ભરી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *