રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર પોલીસથી બચવા દારૂ પીધેલી હાલતમાં દારૂની હેરાફેરી કરનાર વિપુલ હાંડા (ઉ.વ.34) BHMSની ડિગ્રી ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પીછો કરતા કાર 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે ચલાવી ટુ વ્હીલર ચાલક દિનેશ સોલંકી નામના ખેડૂતને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું.
આ અંગે આજીડેમ પોલીસે જસદણ તાલુકાના કોઠી ગામના ડો. વિપુલ હાંડા વિરુદ્ધ BNSની કલમ 105, 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ચેકિંગ ચાલતું હતું રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૃષ્ણવીરસિંહ ગોહિલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ ભાવનગર હાઇવે ઉપર સરધાર પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.
જ્યાં બેરીકેડ લગાવીને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન સોમવારે સવારે 11.30 વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતી કારને ઉભી રાખવાનું કહેતા પોલીસ પકડથી બચવા માટે કારને પૂરપાટ ઝડપે ચલાવી ત્યાંથી નાસી ગયો હતો. જેથી તેને પકડવા માટે પોલીસ દ્વારા સરકારી કારની મદદથી તેનો પીછો કરવામાં આવ્યો હતો.