રાજકોટમાં ચાર વર્ષની બાળકીનું યુપીના શખ્સે અપહરણ કર્યું

શહેરમાં લગ્નની લાલચ આપી તરુણવયની છોકરીઓના અપહરણના બનાવો વચ્ચે ચાર વર્ષની બાળકીના અપહરણનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૂળ ઉત્તરપ્રદેશના અને કોઠારિયા સોલવન્ટ ફાટક પાસેના કારખાનામાં કામ કરતા રાઘવરામ ગંગારામ ગુપ્તા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે અને પત્ની બંને અલગ અલગ કારખાનામાં કામ કરે છે. સંતાનમાં ચાર વર્ષની પુત્રી છે. સવારના પુત્રી પોતાની સાથે કારખાને હોય છે. જ્યારે બપોર બાદ પુત્રી પત્ની પાસે જતી રહે છે. દરમિયાન તા.15ની સવારે રાબેતા મુજબ પોતે પુત્રીને લઇને કારખાને ગયા હતા.

બપોર બાદ પુત્રી પત્ની પાસે જવા કારખાનેથી નીકળી ગઇ હતી. ત્યારે સાંજે સાત વાગ્યે પત્ની પોતાની પાસે કારખાને આવી પુત્રી કેમ હજુ મારી પાસે આવી નથી તેવી વાત કરી હતી. જેથી પત્ની સાથે આસપાસના વિસ્તારોમાં તેમજ સંબંધીઓને ત્યાં પુત્રી અંગે તપાસ કરી હતી. કોઇ ભાળ નહિ મળતા પુત્રીનો ફોટો લઇ પોલીસ મથક ગયા હતા. પોલીસને ફોટો બતાવી પુત્રી ગુમ થયાની વાત કરી હતી. જેથી પોલીસે તેમના મોબાઇલમાં એક ફોટો બતાવી આ છોકરી છે તેમ કહેતા તે ફોટો જોતા તે પોતાની પુત્રી હોવાનું જોવા મળ્યું હતું.

પોતાની પુત્રી જ હોવાનું કહેતા પોલીસે આ બાળકી એસ.ટી.બસ સ્ટેન્ડમાંથી મળી છે અને તેને બાલાશ્રમમાં મૂકી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પુત્રીનો કબજો મેળવી તેની પૂછપરછ કરતા તે માતા પાસે જતી હતી. ત્યારે માતા સાથે કામ કરતો યુપીનો પ્રમોદ પેશકાર મૌર્યે પોતે દૂધ લેવા જાય છે ચાલ મારી સાથે તેમ કહી પરાણે રિક્ષામાં બેસાડીને લઇ ગયો હતો. બાદમાં તેને બસ સ્ટેન્ડ પાસે ઉતારી તે જતો રહ્યો હોવાનું જણાવતા પ્રમોદ સામે આજી ડેમ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. આજી ડેમ પોલીસે પ્રમોદને સકંજામાં લઇ તેને કયા કારણોસર બાળકીનું અપહરણ કર્યું તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *