રાજકોટમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો ફરતો કરનાર યુવક સામે ગુનો નોંધાયો

સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી તેમજ તેને ફરતા કરવાના ગુનામાં વધુ એક શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ગત તા.3 માર્ચના ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા 7 સાયબર ટીપલાઇન મોકલવામાં આવી હતી.

જેમાં અશોક મિયાત્રા ડોટ આહીર નામની ફેસબુક આઇડી અને તેના મોબાઇલ નંબર પરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો ડાઉનલોડ કરી શેર કરવામાં આવ્યાનું જણાતા સાયબર ક્રાઇમ પોલીસે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી પાસેની ધર્મરાજ સોસાયટીમાં રહેતા અશોક જશા મિયાત્રા (ઉ.વ.32)ને રૂબરૂ બોલાવી તેનો મોબાઇલ ફોન ડિટેન કરી એફએસએલમાં મોકલ્યો હતો.

અશોક મિયાત્રાએ પોતાના મોબાઇલથી સોશિયલ મીડિયાના માધ્યમથી એ અભદ્ર વીડિયો શેર કર્યાનો એફએસએલ રિપોર્ટ આવતાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક પંડિતે આરોપી અશોક મિયાત્રા સામે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ બી.ટી.અકબરીએ આરોપી સામે કાર્યવાહી કરી હતી. આરોપી અશોક મિકેનિક તરીકે કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *