ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાયરસનો કહેર સતત યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વધુ 4 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. જેને પગલે સારવાર લઈ રહેલા કુલ દર્દીઓની સંખ્યા 10 પર પહોંચી છે. આ પૈકી 2 દર્દીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યા છે. જ્યારે 8 શંકાસ્પદ દર્દીઓનાં નમુના લેબોરેટરીમાં મોકલાયા હોવાથી તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે સૌપ્રથમ વખત 18 વર્ષના યુવાનમાં ચાંદીપૂરાના લક્ષણ મળી આવ્યા હતા. યુવકના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. યુવાન વાંકાનેરનો રહેવાસી હોવાનું અને 20 દિવસ પહેલા દ્વારકા તેમજ 4 દિવસ પહેલા તરણેતર ગયો હોવાનું સામે આવ્યું હતું. જોકે આ યુવાનમાં લક્ષણો કઈ રીતે આવ્યા તે અંગે તપાસ કરાઈ રહી છે. સામાન્ય રીતે 0થી 14 વર્ષના બાળકોમાં જોવા મળતા ચાંદીપુરા અને એન્કેફેલાઈટીસના લક્ષણો સરખા હોય છે, ત્યારે આ યુવાનને એન્કેફેલાઈટીસ હોવાની પૂરી શક્યતા છે. જોકે સાવચેતીના ભાગરૂપે તેનો ચાંદીપુરાનો રિપોર્ટ કરવા માટે નમુના મોકલી આપવામાં આવ્યા છે.