રાજકોટમાં ગાય સાથે નરાધમે આચર્યું અધમ કૃત્ય

રાજકોટમાં રવિવારે બપોરે કેસરી પુલ નીચે ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરી રહેલા શખ્સને માલધારીઓએ ઝડપી લીધો હતો. પાપનો ભાંડો ફૂટતાં એ નરાધમ દોડીને ઘરમાં પૂરાઇ ગયો હતો. જોકે માલધારીઓએ તેના ઘરને કોર્ડન કરી પોલીસને બોલાવી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે એ નરાધમની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં કાળુભાઇ દામજીભાઇ મજેઠિયા (ઉ.વ.25) બપોરે એકાદ વાગ્યે ગાય સહિતના તેના પશુઓને કેસરી પુલ નીચે લઇને ગયા હતા અને પશુઓને ઘાસચારો અને પાણી આપી પોતે થોડે દૂર બેઠા હતા. એ દરમિયાન બપોરે દોઢેક વાગ્યાના અરસામાં નરસંગપરાનો લાલો રમણીક વાળા (ઉ.વ.24) ગાય જ્યાં બેઠી હતી ત્યાં પહોંચ્યો હતો અને થોડા આંટા ફેરા કર્યા બાદ ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા લાગ્યો હતો.

નરાધમ લાલો વાળા ગાય સાથે દુષ્કૃત્ય આચરી રહ્યો હતો ત્યારે ત્યાંથી હમીરભાઇ ચારોલિયા પસાર થતાં તેમની નજર લાલા પર પડી હતી અને હમીરભાઇએ પશુપાલક કાળુભાઇને જાણ કરી હતી અને અન્ય પશુપાલકો પણ એકઠા થઇ ગયા હતા.

ગાય સાથે દુર્વ્યવહાર કરી રહેલા નરાધમ લાલાના કૃત્યનું મોબાઇલથી વીડિયો શૂટિંગ કરી તેની વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા બાદ ટોળું લાલાને પકડવા દોડ્યું હતું. પોતાના પાપનો ભાંડો ફૂટી ગયાનો અહેસાસ થતાં નરાધમ લાલો વાળા ત્યાંથી નાસીને નજીકમાં આવેલા પોતાના ઘરમાં જઇ રૂમમાં પૂરાઇ ગયો હતો. બીજીબાજુ આ અંગેની જાણ કરાતા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી અને પોલીસે લાલા વાળાને તેના ઘરમાંથી ઝડપી લઈ સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *