રાજકોટમાં ગત લોકસભા કરતાં 210 સંવેદનશીલ બૂથ વધ્યાં

રાજકોટ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનાં એક નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ લોકસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા 210 સંવેદનશીલ બુથમાં વધારો કરી દેવાયો છે. આ અંગે ક્ષત્રિય સંકલન સમિતિએ રાજકોટનાં સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી ઓબ્ઝર્વરને આ અંગે રજૂઆત કરી હતી. તેમજ અચાનક સંવેદનશીલ મતદાન મથકો વધારવા બાબતે ખુલાસો માંગ્યો હતો. અહીં રોષ સાથે ક્ષત્રિય આગેવાને જણાવ્યું હતું કે, રાતે તંત્રને સ્વપ્ન આવે છે અને સવારે તંત્ર તેનો અમલ કરી દે છે. શું આ પાકિસ્તાનની બોર્ડર છે? અહીં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે? આ ઉપરાંત ગઈકાલે રૂપાલાએ માંગેલી વધુ એક માફીને નામંજૂર કરી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સવાલો કર્યા હતા.

ક્ષત્રિય સંકલન સમિતિનાં સભ્ય અનિરુદ્ધસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંવેદનશીલ બુથની સંખ્યામાં વધારો કરાયો છે. જેમાં રાજકોટ લોકસભા વિસ્તારમાં 2236માંથી 1032 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે સંવેદનશીલ મથકોની સંખ્યામાં 210નો વધારો કરાયો છે. કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે આવા મતદાન મથકો ઉપર વિશેષ બંદોબસ્ત મૂકાશે. ત્યારે અમારો સવાલ છે કે, કેમ રાતો રાત સંવેદનશીલ બુથો વધી ગયા? ગુજરાતમાં કોઈ આતંકવાદી હુમલો થવાની દહેશત છે, એટલે આ સંખ્યામાં વધારો થયો છે?

રાજકોટમાં તંત્ર દ્વારા હેઠળ રાત્રે જે સ્વપ્ન આવે તેનો સવારે અમલ કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. આ સરકારની મીઠી નજર હેઠળ તંત્રનો દુરૂપયોગ થતો હોવાનું ઉદાહરણ છે. અગાઉ પણ અમે પ્રકાશક તેમજ મુદ્રકનાં નામ વિના બોર્ડ લગાવવામાં આવ્યા હોવા અંગે રજૂઆત કરી હતી. સામે ચાલીને જાહેર કરવાની અનેક માહિતી તંત્ર દ્વારા નોટિસ બોર્ડ પર મુકવામાં આવી નથી. ત્યારે આ તંત્ર પ્રજા માટે નહીં પણ પાર્ટી માટે કામ કરે છે. ત્યારે તંત્રને જણાવ્યું છે કે, નાગરિકો તમને પગાર આપે છે, નેતાઓ નહીં, ત્યારે પાર્ટીનું કામ કરવાનું બંધ કરો. હાલમાં લોકશાહી નહીં પણ ઠોકશાહી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *