રાજકોટમાં ઝોનલ કોન્ટ્રાક્ટરોએ અચાનક હળતાલનો માર્ગ અપનાવ્યો છે. રસ્તાના ખાડા પૂરવા, ગટરના ઢાંકણા રીપેર કરવા, પાણીની પાઇપલાઇન રીપેરીંગ સહિતના છુટક મેન્ટેનન્સ કામ કરતા 125 જેટલા ઝોનલ અને ટેન્ડર કોન્ટ્રાકટરોએ આજથી એકાએક હડતાલ શરૂ કરી છે. જેને લઈને મનપાના ત્રણે ઝોન અને તમામ 18 વોર્ડમાં ચોમાસામાં કામગીરી સ્થગિત બની થઈ છે. પ્રોફેશનલ ટેક્સ સહિત, GST રીફંડ, લેબરના વ્યવસાય વેરા તેમજ સોગંદનામાના નિયમના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવી છે.
મનપા હસ્તકના 125 જેટલા કોન્ટ્રાક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે. જેને કારણે ઝોનલ મેશનરી, વોટર વર્કસ, ડ્રેનેજ રીપેરીંગ જેવા કામો અટકયા છે. આજે રજાના દિવસમાં કોન્ટ્રાક્ટરોએ હડતાલ પાડતા કોઇ કામ માટે મજૂરો મનપાને મળ્યા નથી. આથી, રજામાં ઇજનેરો સહિતના અધિકારીઓએ દોડાદોડી કરવી પડી હતી. હવે ભારે વરસાદમાં કોઇ રીપેરીંગ કે મેન્ટેનન્સની જરૂર પડે ત્યારે તંત્રએ ખુદ મજૂરોની વ્યવસ્થા કરવી પડે એવી સ્થિતિ છે.
કોન્ટ્રાકટરોને પ્રોફેશનલ ટેક્સ 2008થી ભરવા નોટીસ આપવામાં આવી છે, જે ચાલુ વર્ષથી લાગુ કરવા અને GST જે 12%થી વધારી 18% કરાયો છે, તેના તફાવતની 6% ટકા રકમ પરત ચૂકવવા માંગણી કરાઇ છે. મહાનગરપાલિકા દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેમાં તેઓએ મજુર દીઠ પ્રતિમાસ રૂ.200 પ્રોફેશનલ ટેક્સ ચૂકવવાના હોય છે પરંતુ, આ અંગે મહાનગરપાલિકા દ્વારા જડ વલણ અપનાવતા વિવિધ વિભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ત્રણથી ચાર મહિના છતાં તેમની જે માંગણીઓ છે તે પૂર્ણ થઈ શકતી નથી. જેથી આજથી અચોક્કસ મુદત માટે કામગીરી ન કરવાનો નિર્ણય કરાયો છે.