રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસેના લાલપરી વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાનો 1 કેસ નોંધાયો છે. આ રોગચાળો દુષિત પાણી પીવાથી અને તેના વપરાશથી બનતા અને બજારમાં ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થ જેવા કે શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, ઠંડા પીણા, છાશ, દુધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાય છે. લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે હેતુથી ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા, સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટુકડા કરી તેનું વેચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્યચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવો આવશ્યક છે. આથી રોગચાળો ફેલાતો અટકાવવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જે મુજબ રાજકોટ શહેરના લાલપરી, ગ્રીનલેન્ડ ચોકડી પાસેના વિસ્તાર તથા આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની નિમણુક કરાઈ છે. ઉપરાંત નીચે મુજબ પ્રતિબંધાત્મક સૂચનો અપાયા છે, જે 9 નવેમ્બર, 2024 સુધી ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ ખાનગી દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી દરરોજ રાજકોટ મહાગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રીને આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.