રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડશે. ત્યારે આજે રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અમરેલીમાં પરેશ ધાનાણી પાસે પહોંચ્યું હતું અને તેમને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે આમંત્રણ સ્વીકારી લીધું છે. એને લઈને રાજકોટથી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં BJP 5 લાખથી વધુની લીડથી જીતવા માટે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર રાજકોટથી લડે તો તેના માટે ડિપોઝિટ બચાવવી પણ મુશ્કેલ બનશે.
ભરત બોઘરાએ જણાવ્યું હતું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. અહીં ચૂંટણી લડવા વિરોધ પક્ષમાંથી પરેશ ધાનાણી આવે, રાહુલ ગાંધી આવે કે સોનિયા ગાંધી આવે… અમે તેમને આવકારીએ છીએ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ બૂથ લેવલથી લઈને પ્રદેશ કક્ષા સુધી મજબૂત સંગઠન સાથે કામ કરી રહ્યું છે.