લોકસભા ચૂંટણીપ્રચારને લઈ આજે ભાજપ-કોંગ્રેસને માલધારીઓના શરણે જોવા મળ્યું હતું, જેમાં રાજકોટ શહેરમાં માલધારી આગેવાનોએ પરંપરાગત વેશમાં જ કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના નેતાએ ભાજપ સરકારે ગૌમાતાના નામે મત માગી તેના પર જ દમન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે જસદણમાં રૂપાલાએ જ માલધારીના પહેરવેશમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. રૂપાલા સાથે માલધારી સમાજના અનેક લોકો પણ જોડાયા હતા. એને લઈને લોકસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ મત માટે માલધારીને કાલાવાલા કરતા જોવા મળ્યાં હતાં.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પરના ઉમિયા ચોક નજીક માલધારી, ભરવાડ સમાજના આગેવાનો કોંગ્રેસ અને આપના નેતાઓ સાથે પ્રચારમાં જોડાયા હતા તેમજ પરંપરાગત પહેરવેશમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને મત આપવા અપીલ કરવામાં આવી હતી અને ભાજપ સરકારે ગૌમાતાના નામે મત માગી તેના પર જ દમન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે આ પ્રચારમાં માત્ર 15-20 લોકો જ હાજર રહ્યા હતા અને ઉમિયા ચોકની આસપાસના વિસ્તારમાં પત્રિકાઓ આપી લોકોને કોંગ્રેસને મત આપવા અપીલ કરવામાં આવી હતી.
રાજકોટ માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા રણજિત મુંધવાએ આ તકે જણાવ્યું હતું કે હાલ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમે પરંપરાગત વેશમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચાર કરવા નીકળ્યા છીએ. ગૌભક્તોને હું અપીલ કરું છું કે રાજકોટ મનપાએ સરકારના ઈશારે ઘરમાં બાંધેલી ગાયો છોડી હતી. હાલ રાજકોટ શહેરમાંથી ગૌમાતા નેસ્તનાબૂદ થઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. ભાજપ સરકારે ગૌમાતાના નામે મત માગી એના પર જ દમન કર્યું હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો અને લોકોને કોંગ્રેસને મત આપવા અપીલ કરવામાં આવી હતી.