આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો એક બાદ એક સૌરાષ્ટ્રનાં એ.પી. સેન્ટર ગણાતા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ ડો. અનિતસિંઘ પણ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાઉથ સાફ, નોર્થ હાફની હવા મહારાષ્ટ્ર થઈને ગુજરાત પહોંચી રહી છે. બે દિવસથી પ્રધાનમંત્રી ગુજરાતમાં હોવા છતાં મહિલાઓનાં મુખ્ય અસ્મિતાનાં પ્રશ્ને એકપણ શબ્દ બોલતા નથી, ત્યારે ગુજરાતની જનતા મત દ્વારા જવાબ આપવા તૈયાર છે. જોકે રાહુલ ગાંધીએ રજવાડા અંગે કરેલી ટિપ્પણી માટે માફી માંગવી જોઈએ કે નહીં તેના જવાબમાં આ સવાલ ભાજપનો હોવાનું જણાવી ઉલટું મીડિયાને સલાહ આપવા લાગ્યા હતા.
ડો. અનિતસિંઘે જણાવ્યું હતું કે, ગુજરાતની ચૂંટણીમાં મને આશા છે કે, નોર્થ અને સાઉથમાં જે પરિવર્તન જોવા મળી રહ્યું છે, તેની અસર અહીં પણ દેખાશે. પ્રધાનમંત્રી અને તેમની ટીમ લોકોને ભટકાવવા મુદ્દાથી અલગ પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ મને વિશ્વાસ છે કે, કોંગ્રેસે દેશને જે મેનિફેસ્ટો આપ્યો છે, ગુજરાતમાં જે મુખ્ય મુદ્દા છે તેમાં, મહિલાઓની સ્થિતિ, ખેડૂતોની હાલત, બેરોજગારીની વાત કરવી જરૂરી છે. પ્રધાનમંત્રી બે દિવસથી ગુજરાતમાં છે. છતાં હાલના મુખ્ય મુદ્દા એટલે કે મહિલાઓની અસ્મિતા વિશે બોલવાનું ટાળી રહ્યા છે. મહિલા પહેલવાનોની વાત હોય, મણીપુર હોય કે કર્ણાટકની વાત હોય મહિલાઓ મુદ્દે બોલવાનું તેઓ મૌન છે, ત્યારે ગુજરાતની પ્રજા તેનો જવાબ આપવા માટે તૈયાર છે.