એપ્રિલ મહિનાની દઝાડતી ગરમીને બદલે શુક્રવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શુક્રવાર સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં વહેલી સવારથી જ અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ ભીના થયા હતા, જેને પગલે શહેરીજનોને અસહ્ય બફારા અને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિન અનુસાર, પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ) અને લોકલ કન્વેક્ટિવ એક્ટિવિટીને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને રાજકોટમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. IMD અમદાવાદના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં અમરેલી, જૂનાગઢ અને જામનગરના કેટલાક ભાગોમાં પવન સાથે હળવા વરસાદની શક્યતા છે.
આજે દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 08:30 વાગ્યે તાપમાન 27.0°C નોંધાયું હતું, જે સાંજે 05:30 વાગ્યે ઘટીને 28.8°C ની આસપાસ સ્થિર રહ્યું હતું. મહત્તમ તાપમાન 30.2°C સુધી જ પહોંચતા એપ્રિલ માસની સરેરાશ ગરમી કરતા ઘટાડો નોંધાયો છે. શહેરમાં મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી રહ્યું જયારે લઘુતમ તાપમાન 23.3 ડિગ્રી રહ્યું હતું.