મોરબી રોડ પર ગોપાલ રેસિડેન્સીમાં મકાનમાં બાળકોને ગોંધી રાખી તેની પાસે શખ્સ મજૂરીકામ કરાવતો હોવાની માહિતીને આધારે ક્રાઇમ એસીપી સહિતની ટીમોએ ગુરૂવારે મોડીરાત્રીના દરોડો પાડયો હતો. મકાનમાંથી શખ્સ અને 19 બાળ મજૂરો મળી આવતા શખ્સ બાળકોને મારકૂટ કરી કેટલાક બાળકો સાથે શારીરિક શોષણ પણ કરતો હોવાની શંકાએ તમામ બાળકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ મકાનમાંથી મળી આવેલા 12 થી 16 વર્ષના બાળકો હોય તમામને મુકત કરાવી રિપોર્ટ આવ્યા બાદ આરોપી પશ્ચિમ બંગાળનો અજીત મૌલા અજમત મૌલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી. જેમાં ગોંધી રાખેલા એક બાળકને નરાધમે પુંઠમાં વસ્તુ ઘુસાડી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસની વધુ તપાસમાં છેલ્લા એકાદ માસથી અજીત મૌલા બાળકોને બંગાળથી કામ શિખવાડવાના બહાને રાજકોટ લઇ આવી ગોંધી રાખ્યા હતા અને વેતન પણ પૂરું આપતો ન હોય કામ બાબતે મારકૂટ કરી સીતમ ગુજારતો હોવાનું તેમજ એક 16 વર્ષના તરૂણને પુંઠમાં લોહી નીકળતા હોય જેની પૂછતાછ કરતા પખવાડિયા પૂર્વે કામ બાબતે શેઠ અજીત મૌલાએ પુંઠમાં વસ્તુ ઘુસાડી દીધાનું બહાર આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવને પગલે પીઆઇ જનકાંત સહિતે આરોપીની પૂછતાછ કરી વધુ કાર્યવાહી કરી છે.
રાજકોટ મજૂરીકામ કરતો બાળક નાસી જઇ બંગાળ પહોંચ્યો હતો અને પોતાની સાથે બળજબરી થઇ હોવાની માહિતી બંગાળ પોલીસને આપતા બંગાળ પોલીસ રાજકોટ આવી માહિતી આપતા પોલીસે દરોડો પાડયો હોવાનું બહાર આવ્યું હતું. જે બનાવમાં રાજકોટ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ પૂછતાછ માટે રિમાન્ડ માગી વધુ કાર્યવાહી કરશે તેમજ બંગાળમાં પણ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયેલ હોય બંગાળ પોલીસે આરોપીનો કબજો મેળવવા કાર્યવાહી કરી છે.