રાજકોટ મહાનગરપાલિકાનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગની ટીમે ઈમાનદારી અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પ્રશંસનીય કામગીરી કરી છે. ગઈકાલે રૈયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે એક અનોખી ઘટના બની હતી, જેમાં વોર્ડ નંબર 02, બજરંગવાડી વિસ્તારમાં રહેતા એક મકાન માલિકને તેમના કચરામાં ફેંકાયેલા રૂ.60,000ની રોકડ પરત મળી હતી. આ અંગે જાણ થતાં મ્યુ. કમિશ્નરે પણ ટીપરવાનનાં ડ્રાઇવર અને હેલ્પર સહિત સ્ટાફને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. અને તેઓની ઈમાનદારીની પ્રશંસા કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ બજરંગવાડી વિસ્તારના એક મકાન માલિક અલ્તાફભાઈના ઘરે રહેતા એક વૃદ્ધ મહિલાએ ભૂલથી રૂ. 60,000 કચરા સાથે ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં નાખી દીધા હતા. અલ્તાફભાઈને આ વાતની જાણ થતાં જ તેમણે તાત્કાલિક રૈયા ટ્રાન્સફર સ્ટેશનનો સંપર્ક સાધ્યો અને આ અંગેની માહિતી આપી હતી. આ માહિતી મળતાં સ્ટેશન પર હાજર સ્ટાફે સમયસૂચકતા વાપરીને તુરંત જ તે ટીપરવાનને રોકાવી દીધી અને રોકડ રકમની શોધખોળ શરૂ કરી હતી.