રાજકોટમાં એસટી બસપોર્ટમાં માત્ર નામ પૂરતી સુવિધા

રાજકોટ એસટી બસપોર્ટ ખાતે માત્ર નામ પૂરતી સુવિધા શરૂ કરાઇ હોય તેવું લાગી રહ્યું છે. એસટી બસપોર્ટની નવી ઇન્કવાયરી કેબિનમાં ઉદઘોષણા માટેના માઇક જ ન હોવાથી બે-પાંચ નહીં 650 ટ્રિપના હજારો મુસાફરો પરેશાન છે. ત્યારે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ એસ.ટી બસપોર્ટ હાલ 1 થી 22 પ્લેટફોર્મ કાર્યાન્વિત છે. અગાઉ પ્લેટફોર્મ નંબર 1 અને 2 ના પ્લેટફોર્મ સામે ઇન્કવાયરી ઓફિસ કાર્યરત હતી. જેથી 14 થી 22 નંબરના પ્લેટફોર્મના મુસાફરોને પૂછપરછ માટે પ્લેટફોર્મ નંબર 1 અને 2 સુધી ઇન્કવાયરી માટે આવવું પડતુ હતુ. જેથી બસ આવે અને જતી રહે તો પણ મુસાફરો કે ટ્રાફિક કંટ્રોલરને ખબર રહેતી નહીં. મુસાફરોની અગવડતા દૂર કરવા માટે પ્લેટફોર્મ નંબર 17 ની સામે અલાયદી ઇન્કવાયરી કેબીન ઉભી કરવામાં આવી છે. આ કેબિન પરથી સૌરાષ્ટ્ર તરફની 650 ટ્રીપની ઇન્કવાયરી થઈ શકે છે. જેમાં અમરેલી, ધારી, જેતપુર, જુનાગઢ, સોમનાથ, ધોરાજી ઉપલેટા, પોરબંદર, દીવ તેમજ પંચમહાલ તરફની દાહોદ, ગોધરા મંડોર, ઝાલોદ, સહિતના રૂટનો સમાવેશ થાય છે.

ગત તા. 20 જાન્યુઆરીએ ધારાસભ્યો અને એસ.ટી અધિકારીઓ દ્વારા મુસાફરોને સુવિધા આપવા માટે અલાયદી ઇન્કવાયરી વ્યવસ્થા કરવામાં આવેલી તે કેબિનનું પણ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતુ. જ્યાં 2 ટ્રાફિક કંટ્રોલરને જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જોકે કેબિન ઉપરથી ખુલ્લી હોવાથી કબૂતરના ચરક ટ્રાફિક કંટ્રોલર પર અને કેબિનમાં પડવા લાગતા ટ્રાફિક કંટ્રોલરે કેબિન ઉપર પૂઠા ભરાવ્યા અને કેબિનમાં સુવિધાના અભાવના પગલે ઉદઘોષણા માટેના માઇકની વ્યવસ્થા હાલ છે જ નહીં. ડેપો મેનેજર દ્વારા ડેપોમાં મુસાફરોને પડતી દુવિધા અંગે કોઈ દરકાર લેવામાં આવતી જ નથી. જે અંગે રાજકોટ એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *