રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ગઈકાલે એક જ દિવસમાં અલગ-અલગ 3 સ્થળોએ આગ લાગવાના બનાવો બનતા ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ હતી. આ દુર્ઘટનાઓમાં વાહનો સહિત લાખોની મિલકત બળીને ખાખ થઈ ગઈ છે, જોકે સદનસીબે તમામ સ્થળોએ કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રથમ બનાવ: શહેર ક્રાઈમ બ્રાંચે જપ્ત કરેલા 9 બાઈક બળીને ખાખ શહેરના શીતલ પાર્ક નજીક એરપોર્ટની દીવાલ પાસે આવેલા એક ડેલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ડેલામાં ક્રાઈમ બ્રાંચ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનો રાખવામાં આવ્યા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં પાર્ક કરેલા 9 બાઈકો જોતજોતામાં બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટરો સાથે સ્થળ પર પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સતર્કતાને કારણે ત્યાં પડેલા અન્ય 100 જેટલા વાહનોને બચાવી લેવામાં સફળતા મળી હતી. સમગ્ર મામલે જમાદાર જેન્તીભાઈએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે એફએસએલની મદદ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બીજો બનાવ: સર્વિસ સ્ટેશનમાં અર્ટિગા કાર આગની ચપેટમાં માધાપર ચોકડી નજીક આવેલા મારુતિ કારના સર્વિસ સ્ટેશનના વર્કશોપમાં ગઈકાલે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા જોતા તાત્કાલિક રેલનગર ફાયર સ્ટેશન અને રામાપીર ફાયર સ્ટેશનનો સ્ટાફ ટેન્કરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ આગ સર્વિસ વિભાગમાં રિપેરિંગ માટે આવેલી એક ફોર વ્હીલરમાં લાગી હતી. ફાયર ફાઈટરોએ 15 થી 20 મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. આ ઘટનામાં અર્ટિગા ગાડી નંબર GJ 03 PJ 4891 સંપૂર્ણપણે સળગી ગઈ હતી. આ ઉપરાંત વર્કશોપમાં રહેલા વેલ્ડિંગ મશીન, ઇલેક્ટ્રિક બોર્ડ તેમજ નવા પાર્ટ્સ જેવા કે બમ્પર અને હેડલાઇટ પણ આગની ઝપેટમાં આવતા મોટું નુકસાન થયું છે.
ત્રીજો બનાવ: ત્રિલોક કાર્ગો સર્વિસના પાર્સલ ગોડાઉનમાં આગ ગઈરાત્રે નવાગામ બસ સ્ટેન્ડ મેઈન રોડ પર ન્યારા પેટ્રોલ પંપ સામે આવેલ ત્રિલોક કાર્ગો સર્વિસના પાર્સલ ગોડાઉનમાં બન્યો હતો. ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા બેડીપરા ફાયર સ્ટેશનનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. ફાયર સ્ટાફે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને શાંત પાડી હતી. આ આગમાં ગોડાઉનમાં રહેલા ટેબલ, કોમ્પ્યુટર અને પ્રિન્ટર જેવા સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને બાજુમાં પડેલા આશરે 50 ઓઈલના કેરબા, 3-4 પાર્સલ બોક્સ અને વાસણોના જથ્થાને સુરક્ષિત બચાવી લીધો હતો. આ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અને કુલ નુકસાનીનો આંક હજુ સુધી જાણી શકાયો નથી.